ડેમુ ટ્રેનની ઇમરજન્સી બ્રેક વાગતા મુસાફરોના જીવ તાળવે બંધાયા

આણંદ, તા.  26 મે 2019, રવિવાર

આણંદની બોરસદ ચોકડી રેલ્વે ફાટકે ડેમુ ટ્રેન આવતાં ટ્રેક ઉપર દોડી રહેલી ગાયને બચાવવા તેની પાછળ મહિલા ટ્રેક ઉપર દોડતાં ટ્રેનના ડ્રાયવરે ઇમજરન્સી બ્રેક મારી ટ્રેનને રોકી લેતાં મુસાફરોના જીવ તાળવે બંધાયા હતા.

આણંદની બોરસદ ચોકડી પાસે આવેલ રેલ્વે ફાટકની આસપાસ રેલ્વે ટ્રેક પાસે છેલ્લા ઘણા વર્ષોથી દબાણોનો રાફડો ફાટયો છે. રેલ્વે ટ્રેકની આસપાસ ઝુપડપટ્ટીનું પ્રમાણ વધી જતાં મોટાભાગના ઝુપડાવાસીઓ સાંજના તથા રાત્રીના સમયે રેલ્વે ટ્રેક ઉપર જ દારૃ પીને ટાઈમપાસ કરતા હોય છે જેને પગલે દરરોજ ડેમુ ટ્રેનને આ જગ્યાએથી પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આણંદની બોરસદ ચોકડી રેલ્વે ફાટક પાસે ગતરોજ સવારે ૧૧ વાગ્યાના સમય દરમ્યાન આણંદથી ખંભાત તરફ ડેમુ ટ્રેન બોરસદ ચોકડી ફાટક પાસેથી પસાર થઇ રહી હતી તે દરમ્યાન રેલ્વે ટ્રેક ઉપર અચાનક એક ગાય અને મહિલાને દોડતાં જોઈ ટ્રેનના ચાલકે તેમને બચાવવા માટે અચાનક ઇમરજન્સી બ્રેક મારી દેતા ટ્રેન ખુબ જ મોટા અવાજ સાથે ફાટક ઉપર જ ઉભી થઇ જતાં મુસાફરોના જીવ અધ્ધર થઇ ગયા હતાં જો કે આ બનાવ દરમ્યાન કોઈ જાનહાની કે ઇજા પહોંચી નહોતી.

પરંતુ ટ્રેનના ડ્રાયવરે ઇમરજન્સી બ્રેક મારતાં ટ્રેન પાટા ઉપરથી ઉતરી પડવાથી દુર્ઘટના સર્જાવાની પુરેપુરી શક્યતાં મુસાફરો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

તદઉપરાંત આ ટ્રેક પાસે ભુતકાળમાં જાનહાની પણ થવા પામી છે. આજુબાજુ ઝુપડપટ્ટી હોવાને પણ રેલ્વે ટ્રેક ઉપર જ ફરતી જોવા મળે છે. રેલ્વે તંત્ર સહિત સ્થાનીક તંત્ર દ્વારા રેલ્વે ટ્રેક પાસેની ઝુપડપટ્ટી હટાવવામાં આવે તેવી લોકલાગણી પ્રવર્તી રહી છે. ડેમુ ટ્રેનના ચાલકે ફાટક ઉપર જ ઇમરજન્સી ટ્રેન રોકી દેતાં ટ્રાફીક જામ સાથે ફાટકની બન્ને બાજુ ચક્કાજામ જેવી સ્થિતી સર્જાઈ હતી તથા ઇમરજન્સી બ્રેકના કારણે ૧ કલાક જેટલા સમય બાદ ટ્રેનનો પ્રેસર આવતાં ટ્રેનને ત્યાથી ઉપાડવામાં આવી હતી. સમગ્ર ઘટના દરમ્યાન ૧ કલાક જેટલી ટ્રેન લેટ થઇ હતી.

https://www.gujaratsamachar.com/news/madhya-gujarat/damu-trains-in-the-emergency-brake-passengers-life-is-set-up