ઇરાને એનરીચ્ડ યુરેનિયમના ઉત્પાદનની મર્યાદા તોડીને યૂરોપને ચેતવણી આપી – ગુજરાત સમાચાર

તહેરાન, તા.9 જુલાઇ 2019, મંગળવાર

ઇરાને 2015માં થયેલા અણુ સમજૂતીના કરારનો ભંગ કરીને એનરીચ્ડ યુરેનિયમના ઉત્પાદનની મર્યાદાનો છડેચોક ભંગ કરીને સમગ્ર યૂરોપને ચેતવણી આપી હતી કે અમે અમેરિકા અને યૂરોપના દેશોને જડબાતોડ જવાબ આપી શકીએ એમ છીએ.

સોમવારે ઇરાને આ સમજૂતીનો ભંગ કરીને ખુલ્લી ચેતવણી આપી ત્યારે ફ્રાન્સે ઉશ્કેરાટ નિવારવા પોતાના એક દૂતને ઇરાન તરફ રવાના કર્યો હતો. આ દૂતને એવી જવાબદારી આપવામાં આવી હતી કે ઇરાનના નેતાઓનેા ઉશ્કેરાટ શાંત કરવાના પ્રયાસો કરજો. વિશ્વના દેશો અને ઇરાન વચ્ચે થયેલી આ સમજૂતીમાંથી અમેરિકા ખસી ગયાને એક વર્ષ થયું છે અને હવે અમેરિકા તથા ઇરાન સામસામે દાંતિયા કરી રહ્યા છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ઇરાનને જગતના નકશા પરથી નષ્ટ કરી દેવાની ધમકી ઉચ્ચારી ત્યારે ઇરાને વળતો પ્રહાર કરતાં એવી ચેતવણી ઉચ્ચારી હતી કે અમે જડબાતોડ જવાબ આપીશું. અમે યુદ્ધ માટે તૈયાર છીએ.

અત્રે એ યાદ રહે કે 1990ના દાયકાના ઉત્તરાર્ધમાં અમેરિકાએ આવી જ અથડામણ ઇરાકની સાથે કરી હતી. ઇરાક ખુવાર થયું પરંતુ અમેરિકાએ ઇરાક પર કરેલા આક્ષેપો અમેરિકા પુરાવ કરી શક્યું નહોતું.