આંકલાવ તાલુકા પંચાયતની બેઠકનો સત્તાધારી પક્ષના સભ્યોએ જ બહિષ્કાર કરતા ઉહાપોહ

આણંદ, તા. 8 જુલાઈ 2019, સોમવાર

આંકલાવ તાલુકા પંચાયત ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાયેલ તાલુકા પંચાયતની સંકલન બેઠક દરમ્યાન સત્તા પક્ષના સભ્યો દ્વારા બેઠકનો વિરોધ કરી આંકલાવ પંથકના લોક પ્રશ્નોનો સત્વરે નિકાલ કરવા માટેની માંગ કરવામાં આવી હતી.

આંકલાવ તાલુકા પંચાયત ખાતે બોરસદના પ્રાંત અધિકારી, આંકલાવ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ આંકલાવ તાલુકા પંચાયતના પ્રમુખની ઉપસ્થિતિમાં શનિવારના રોજ સંકલન બેઠક યોજવામાં આવી હતી.

જેમાં તાલુકા પંંચાયતના મહિલા પ્રમુખ સહિત તેમના પતિ નગીનભાઈ સોલંકી દ્વારા તાલુકા પંચાયતના સભ્યો સાથે મળી બેઠકનો વિરોધ કરતા જણાવ્યું હતું કે આંકલાવના કાંઠાગાળાના પ્રશ્નોનું ૨૦૧૮થી કોઈપણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી. આંકલાવ પંથકના ગામોમાં લોકપ્રશ્નોના નિકાલ માટે વહીવટી તંત્ર દ્વારા ઓરમાયુ વર્તન રાખવામાં આવે છે. અધિકારીઓ દ્વારા પણ આ મામલે સહકાર આપવામાં ન આવતો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.

તદ્ઉપરાંત આંકલાવ તાલુકાના ચમારા ખાતે આવેલ સરસ્વતી વિદ્યાલય ખાતે યોજાયેલ સંકલનની મિટીંગમાં અગાઉ પણ ઘણી વખત લેખિત-મૌખિક રજૂઆતો કરી વિદ્યાલયમાં શિક્ષણ ફી, મંડળના સભ્યો, મકાન બાંધકામ સહિતની માહિતી માંગવા છતાં આપવામાં આવતી નથી.

આ ઉપરાંત ખડોલ(ઉ) ખાતે લીલીયા ફાર્મ પાસે બિનઅધિકૃત બાંધકામ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવા છતાં પણ આ બાંધકામ હટાવવામાં તંત્ર દ્વારા રસ દાખવવામાં આવતો નથી. તદ્ઉપરાંત કાંઠાગાળાના જ ગામોમાં રોડ, રસ્તા, દબાણ, શિક્ષણ, પાણી, વિજળી સહિતની બાબતો અંગે અવાર-નવાર રજૂઆતો કરવા છતાં ઉપેક્ષા દાખવવામાં આવતી હોવાના આક્ષેપ સાથે સત્તાપક્ષ દ્વારા બેઠકનો બહિષ્કાર કર્યો હતો.

For more detail click the following link-

https://www.gujaratsamachar.com/news/madhya-gujarat/official-party-members-of-the-meeting-of-ankilav-taluka-panchayat-only-boycott